વિદેશીઓની વિકૃત મનોદશા

વિદેશીઓની વિકૃત મનોદશા: ભારતનું આતિથ્ય માણવું અને તેને પછાત ગણાવીને વિશ્વ સમક્ષ ટીકા પણ કરતા રહેવી આપણે ‘યુ બ્રિટિશર’ તેવું કહી શકીએ?

હોરાઇઝન - ભવેન કચ્છી
ગેમ્સ પછી ભારતને બદનામ કરવાનું ષડયંત્ર પેટ ભરીને ‘ઇન્ડિયન કરી’ અને મસાલેદાર વાનગીઓ ઝાપટવી અને પછી બિનઆરોગ્યપ્રદ ભોજનની ફરિયાદ કરતા ફૂડ પોઈઝનિંગના બહાને બિમાર પડી જવાનું

છેક ’૮૦ના દાયકા સુધી ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ જેવા ગોરા દેશોના ખેલાડીઓ ભારતનો ક્રિકેટ પ્રવાસ ખેડવાનો હોય તે અગાઉ ભારત બદનામ થાય તે રીતે નખરા શરૂ કરી દેતા હતા. કેટલાક ક્રિકેટરો તો ભારતમાં પ્રવર્તતી ગંદકી, આરોગ્ય જાળવણી અંગેની બેદરકારી, મચ્છરોનો ઉપદ્રવ અને પીવાનું ગટરછાપ પાણી જેવા કારણો આગળ ધરીને ભારતના પ્રવાસે જવા માટે તેઓ અનિશ્ચિત છે તેવી વિશ્વ મીડિયા સમક્ષ જાહેરાત કરતા હતા. ખેલાડીઓ જ નહીં ગોરા દેશોના વિદેશી પ્રવાસીઓ પણ ભારત નહીં જવાનું એવું કારણ જણાવતા કે ‘‘મારે માટે રમત કે ફરવા કરતા કુટુંબ પ્રત્યેની જવાબદારી મહત્વની છે. મારે હજુ જીવવું છે.’’

આવો હાબાળો મચાવીને તેઓ ભારત તો આવતા જ હતા પણ અહીં આવ્યા પછી ભારતની દારૂણ ગરીબી, ગંદકી, માંદગી, વાઈરસ, બેક્ટેરિયા અને પ્રજાની માનસિકતાની ઠેકડી ઉડાવતી વાતો તેમના દેશના મીડિયાને ભરપેટ પૂરી પાડતા હતા. ગોરા દેશોના અખબારોમાં આ વઘુ પ્રકાશિત થતું રહેતું. ભારત જાણે દુકાળિયો અને ભુખમરા-રોગચાળાથી ખદબદતાં ઈથોપિયા જેવો દેશ ન હોય? ભારતમાં ચોક્કસ વિકસિત ગોરા દેશો જેવી સ્થિતિ નથી. પણ, ખેલાડીઓ અને જુદા જુદા ક્ષેત્રોના ડેલિગેશનો તો આંતરરાષ્ટ્રીય દરજ્જાની ફાઈવ સ્ટાર હોટલમાં રહેતા હોય છે. તેઓને ભારત આઝાદ થયુ તે પછીથી જ ભારતની મુલાકાત વખતે મિનરલ વોટર જ મળતું રહ્યું છે. હોટલથી સ્ટેડિયમ કે તેમના કામના સ્થળે તેઓને એરકંડિશન વાહનો જ પૂરા પાડવામાં આવતા હોય છે. તેમાં પણ પોતે કેટલા આઘુનિક અને આપણે અછૂત કે તુચ્છ છીએ તેવું પુરવાર કરવા તેઓ તેમના દેશથી જ પાણી અને જ્યુસની મહિના સુધી ચાલેે એટલી બોટલો, ફૂડ પેકેટ, દવાઓ, તબીબ સાથે લઈને આવ્યા હોય છે. વિદેશીઓ ભારતમાં ‘ઈન્ડિયન કરી’ અને મસાલેદાર સ્વાદિષ્ટ ભોજન અકરાંતિયાની જેમ ખાય અને ઝાડા થઈ જાય એટલે ભારતનું દૂષિત પાણી કે બિનઆરોગ્યપ્રદ રીતે બનાવેલું ભોજન ખાતા ‘ફૂડ પોઈઝનિંગ’ થઈ ગયું તે વિશ્વ મીડિયા સમક્ષ પ્રચાર કરી દેવાનો. અંગ્રેજોના અખબારોમાં ભારતમાં જાણે ભૂંડો જ વસતા હોય તેવી રીતે અગ્રપૃષ્ઠ પર આઈટમો ઓકાતી રહે. ગોરા દેશો આમાં એક પ્રકારનો વિકૃત આનંદ અનુભવતા હોય છે.

૧૯૮૦ પછીના ૩૦ વર્ષમાં ભારતમાં ઘણુ પરિવર્તન આવ્યું છે. વિદેશી કંપનીઓને ભારતની જોડે ઘરોબો કેળવવાની ગરજ પડી છે. ભારતની હોટલો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વૈશ્વિક દ્રષ્ટિકોણ, સવલતો ભલે ગરીબ કે મઘ્યમવર્ગથી હજુ પણ દૂર હોય પણ શ્રીમંતો, પૈસા ખર્ચી શકે તેવા વર્ગ કે વિદેશીઓ માટે તો ગુણવત્તાસભર છે જ. ગરીબો, ગ્રામ્ય કે મઘ્યમવર્ગ પણ ટીવી તેમજ અન્ય પ્રસારણ માઘ્યમમાં, શિક્ષણ-રોજગારીના વ્યાપ તેમજ વિદેશ પણ જતા-આવતા હોઈ આંતરરાષ્ટ્રીય દરજ્જાના નાગરિક બનવાની ખેવના રાખતા થયા છે. આ માટે વિશ્વ તેઓ પાસેથી શું અપેક્ષા રાખે છે તેનો તેઓને અંદાજ છે. દાયકાઓ પહેલા ભોટ અને ગમાર મનાતી પ્રજાનો સવા અબજની વસ્તીમાંથી આજે એકપણ નાગરિક એવો નથી.

પણ, ભારતની આવી પ્રગતિ ગોરા દેશો પચાવી નથી શક્યા તે હકીકત છે. ખરેખર તો યુરોપના મોટાભાગના દેશો ભૂતકાળની પ્રતિષ્ઠાને અને જે પણ તૈયાર મળેલું તેના જોરે જીવે છે જ્યારે ભારતે વિરાટ વસ્તી સાથે તે પણ વિશ્વના સૌથી નિમ્ન સ્તરના રાજકારણીઓ હોવા છતાં વિશ્વની આર્થિક સત્તા બનવા ભણી આગેચૂક કરી છે. ઓબામાએ પણ જાહેરમાં તેમના નાગરિકોને પડકારતા ચીન અને ભારત આગામી દાયકાના તેમના હરિફ છે તેમ કબુલ્યું છે.

આમ છતાં ભારતને હજુ ગંદા-ગોબરા, અસભ્ય અને પછાત દેશ તરીકે ચીતરતા રહેવાનું ગોરા દેશોનું ષડયંત્ર જારી જ છે. કોમનવેલ્થ ગેમ્સમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો તેને ભારતનો અંગત મામલો ગણીએ તો વિદેશીઓને આપણે જે રીતે સાચવ્યા છે તે જોતા કમ સે કમ તેઓને તો ટીકા કરવાનો અધિકાર નહોતો પણ તેઓએ જોયું કે ભારતમાં તો ન્યુઝ ચેનલો જ લધુતાગ્રંથિથી પીડાઈને તેમનો જ દેશ બદનામ થાય. ચર્ચા થકી ટીઆરપી વધે તે માટે અક્ષમ્ય બેદરકારી દાખવીને દેશની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠાના ભોગે પાયા વગર, અધકચરા કે સનસની મચાવતા ઈરાદાપૂર્વકના નેગેટિવ રીપોર્ટ વહેતા કરતી રહી હતી. વિદેશી મીડિયાએ આ સ્થિતિનો ભરપુર લાભ ઉઠાવીને તેમના દેશોમાં રમત કરતા ભારતમાં નિમ્ન સ્તરની સવલતો અને જીવલેણ પૂરવાર થઈ શકે તેવી તમામ સ્તરે ખરાબ ગુણવત્તાનું જ કવરેજ આપ્યું.

વિદેશીઓને અને ખેલાડીઓનો ફાઈવ સ્ટાર ભોજન જ મળતું હતું પણ કેટલીક ટીવી ચેનલોએ જ્યાં આપણા સીક્યોરીટી, સ્વયંસેવકો અન્ય સર્વિસ સ્ટાફનું ભોજન કે નાસ્તા બનતા હતા તે રસોડા પર કેમેરા ફેરવીને કોમનવેલ્થના ગેમ્સ વીલેજમાં કઈ રીતે ભોજન બને છે તેનો અહેવાલ રજુ કર્યો હતો. વિદેશના કોઈ પણ આયોજનમાં વીઆઈપી કે મહેમાનોને જે ભોજન અથવા તો જે રીતે ભોજન બનતું હોય તેવું ભોજન સ્થાનિક સર્વિસ સ્ટાફને નથી મળતું હોતું, તેમાં પણ ભારતમાં તો સામુહિક મેળાવડા, ઉત્સવોમાં કેવા રસોડા હોય છે તે ભારતની ન્યુઝ ચેનલો તો જાણે જ છે. કોઈએ ભારતના ભોજનની સામે ફરિયાદ નહોતી કરી. કોઈ બિમાર પડ્યુ હોય તેવા કિસ્સા પણ નોંધાયા નહોતા. પણ, વિદેશી મીડિયા માટે ભાવતુ ને વૈદે કીઘું જેવું થયું. તેઓએ તેમના મીડિયામાં આવી સ્ટોરી વહેતી હતી.
ગેમ્સ વીલેજની અંદરના ફૂટપાથને છેક સુધી બંને બાજુથી શમિયાનાની જેમ કવર કરવામાં આવ્યો હતો. આમ છતાં એક ન્યુઝ ચેનલે વીલેજથી દૂર જ્યાં કોઈને નડે પણ નહીં તે રીતે હજુ કામ કરવાનું બાકી હતું ત્યાં જમા થયેલું નાનું ખાબોચિયું અને બે-ચાર પ્લાસ્ટીકની કોથળીઓ બતાવીને વીલેજમાં ‘કચરાના ઢેર’ જેવા મથાળા સાથે કવરેજ બતાવ્યું. પછી તો જાણે આવા અહેવાલો માટે સ્પર્ધા થઈ... તેમાં પણ વળી કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનના વડા ફેનેલે ભારતનું મીડિયા કેટલુ મુક્ત, નિડર અને તટસ્થ છે તેવી કોમેન્ટ કરી તેનાથી ફૂલાઈ જઈને મીડિયાએ ભારતની જ વિશ્વ સમક્ષ ઘોર ખોદવામાં અતિરેક કરી દીધો. આજના ટેકનોલોજી યુગમાં ભારતની આવી પછાત માનસની ઈમેજ વાયુ કરતા પણ તેજ વેગે વિશ્વમાં પ્રસરતી રહી.

આનું પરિણામ એ આવ્યું કે ભારતે જે પણ આંતરરાષ્ટ્રીય દરજ્જા કરતા પણ વિશેષ આપ્યું તેની નોંધ જ નથી લેવાઈ. વિદેશીઓની ચાલ હતી કે કોમન વેલ્થ થકી ભારતનું વિશ્વસ્તરે બ્રાન્ડીંગ ના થાય. જેમાં ભારતના જ મીડિયાની મદદથી તેઓ સફળ થયા. યાદ રહે અહીં આયોજકોના ભ્રષ્ટાચારને છાવરવાની વાત નથી. બહુમતિ ભારત હજુ વિકસી ચુકેલા દેશનું માનસ પણ નથી ધરાવતી. હજુ પણ કામ અને સેવામાં લચરાપણું છે જ. ગંદકી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ રાષ્ટ્રીય ખમીરનો અભાવ છે. પણ કોમનવેલ્થના વિદેશી મહેમાનોને આપણે આવા ભારતનો સ્પર્શ સુઘ્ધા થવા દીધો નથી. આમ છતાં ગોરા દેશો જાણે ગુલામોને ‘ઓબ્લાઈઝ’ કરીને વેઈટરને ટીપ્સ આપે તેમ ભાગ લઈને પરત થયા.

હજુ ગેમ વીલેજ સીક્યોરીટી વિભાગને સોંપાયું નહોતું ત્યારે ઓસ્ટ્રેલિયાના એક ટીવી સ્ટાફે ધડાકા કરી શકાય તેવી સામગ્રી ભરેલી બેગ ભરીને વીલેજમાં પ્રવેશ કર્યો તેમાં તો વિશ્વભરમાં ભારતમાં  સીક્યોરીટીની પોલમપોલના અહેવાલે તરખાટ મચાવ્યો. ટીવી સ્ટાફનો સત્તાવાર માન્ય બેજ પહેરીને આવી બેગ સાથે વિલેજમાં ફરતા હો તો સ્વાભાવિકપણે તમારા કાફલા સાથે કોઈ તમને ખાસ પૂછે નહીં. હજુ તો વીલેજ પણ સોંપાયુ નહોતુ. ટીવી કર્મચારીએ પત્રકાર પરિષદ યોજી, તેમના અખબારને કવરસ્ટોરી આપી. ગેમ્સ વીલેજમાં સાપ પકડાયો તેની તક ઝડપીને વિશ્વએ ભારતની મદારીના દેશ તરીકેનું લેબલ જારી રાખતા મજાક ઉડાવી. ખરેખર આવા અહેવાલો પાછળનો ઈરાદો અને પરિણામ અંગે મીડિયાએ આત્મમંથન કરવું જોઈએ. પૂરની સ્થિતિ, યમુના નદીના કિનારે આવેલા ગેમ્સ જેવી પરિસ્થિતિને જોતા એકાદ સાપ આવે તે બાબત પાકટ અભિગમ રાખવો જોઈએ.

વિદેશના સ્વીમરોએ સ્વીમિંગ પુલના પાણીની ગુણવત્તાની ટીકા કરતા કહ્યું કે ‘‘પાણી અમારી સ્ફૂર્તિ જાળવી રાખે તેવું નથી. અમને બિમાર હોઈએ તેવું જ લાગ્યા કરે છે.’’ ભારતમાં પ્રેક્ષકોએ કોમનવેલ્થ ગેમ્સને સાવ મોળો પ્રતિસાદ આપ્યો તે કબુલ પણ તેને કારણે ટીમો જોઈએ તેવો સારો દેખાવ ના કરી શક્યા તેવું કારણ આપીને વિદેશીઓ અને વિશેષ કરીને આજે પણ આપણને ગુલામ અને ઉતરતા દરજ્જાના ગણતું ઇંગ્લેન્ડ આપણી પ્રગતિ અને ગોલ્ડ મેડલની હરણફાળ જોઈ નહીં શકતું હોઈ બદનામ કરે તે હરગીઝ ચલાવી ન શકાય.

ચીને બેઈજીંગમાં ઓલિમ્પિક યોજાઈ ત્યારે મીડિયાના તમામ અહેવાલો એક કમિટિ મંજુરી આપે તે પછી જ વિશ્વ સમક્ષ મુકવાનું માળખુ ગોઠવ્યું હતું.

ભારત સરકારે પણ વિશ્વ અને આપણી ટીવી ચેનલોને ભારતની છબિ ખોટી રીતે ખરડાય નહીં તે રીતે અહેવાલો મુકવાની અપીલ કે વખત આવ્યે હિતકારક પાકટ ગેમ્સ પૂરતી આચારસંહિતા મુકવી જોઈતી હતી. કેન્દ્ર સરકારે ભારતને બદનામ કરતા બેજવાબદાર તત્વો સમક્ષ જવાબ માંગવો જોઈએ. વૈશ્વિક મીડિયાને તેમજ ખેલાડીઓને પાઠ ભણાવવો જોઈએ કે તમારા દેશમાં આવીને અમે જે સાલસતા સાથે પેશ થઈએ છીએ તેવું જ વર્તન રાખજો. પેલા તિકડમબાજ ટીવી કેમેરામેન પર પગલા લેવા જોઈએ. જે ખેલાડી ભોજન, આવાસ કે રમતગમત સંકુલોની ટીકા કરતા હતા તેમની પોલ ખુલ્લી પાડવાની જરૂર હતી.

ભારતને છેલ્લા મહિનામાં ગોરા દેશોએ સતત બદનામ કર્યું છે. ખરેખર આપણે ત્યાં જઈએ તો ત્યાં કોઈ ભાવ પણ નથી પૂછતું હોતું. તમામ સ્તરે ધંધાદારી અભિગમના નામે બિલો બનાવાય છે. આપણે ત્યાં તો જમાઈની જેમ તેઓને સાચવતા હતા છતાં પછાત તરીકે બદનામ કરવાના.

આપણે પણ વિદેશમાં જઈને પડતી ઉપાધી, સામાજિક અને કૌટુંબિક વ્યવસ્થા તેમજ અન્ય પરંપરાની ટીકા કરવા માંડીએ તો? કોઈ જાણીતા વિદેશીને ભારતના એરપોર્ટ પર સલામતિના ચેકઅપના નામે કલાકેક ઉભો રાખીએ તો? આપણે આપણી લધુતાગ્રંથિમાંથી બહાર આવવું પડશે. સ્વટીકામાંથી બહાર આવવું પડશે. કોઈ વિદેશી ‘યુ ઈન્ડિયન...’ કહે તેમ આપણે પણ ‘યુ બ્રિટિશર’ કે ‘યુ ઓસ્ટ્રેલિયન’ કહેવાનું જરૂર પડ્યે ખમીર બતાવતા શીખવું પડશે.

This entry posted in Indians. Entry Tags: , Bookmark the permalink. 

One Response to વિદેશીઓની વિકૃત મનોદશા

  1. Hi we are a start up company and have limited budget. We would like to put up an ad in your blog related to Ahmedabad. Please contact us at bhanusmita(at)india.com. Visit us at http://www.facebook.com/CityOffers.Ahmedabad

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>