વિદેશીઓની વિકૃત મનોદશા: ભારતનું આતિથ્ય માણવું અને તેને પછાત ગણાવીને વિશ્વ સમક્ષ ટીકા પણ કરતા રહેવી આપણે ‘યુ બ્રિટિશર’ તેવું કહી શકીએ?
હોરાઇઝન - ભવેન કચ્છી
ગેમ્સ પછી ભારતને બદનામ કરવાનું ષડયંત્ર પેટ ભરીને ‘ઇન્ડિયન કરી’ અને મસાલેદાર વાનગીઓ ઝાપટવી અને પછી બિનઆરોગ્યપ્રદ ભોજનની ફરિયાદ કરતા ફૂડ પોઈઝનિંગના બહાને બિમાર પડી જવાનું
છેક ’૮૦ના દાયકા સુધી ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ જેવા ગોરા દેશોના ખેલાડીઓ ભારતનો ક્રિકેટ પ્રવાસ ખેડવાનો હોય તે અગાઉ ભારત બદનામ થાય તે રીતે નખરા શરૂ કરી દેતા હતા. કેટલાક ક્રિકેટરો તો ભારતમાં પ્રવર્તતી ગંદકી, આરોગ્ય જાળવણી અંગેની બેદરકારી, મચ્છરોનો ઉપદ્રવ અને પીવાનું ગટરછાપ પાણી જેવા કારણો આગળ ધરીને ભારતના પ્રવાસે જવા માટે તેઓ અનિશ્ચિત છે તેવી વિશ્વ મીડિયા સમક્ષ જાહેરાત કરતા હતા. ખેલાડીઓ જ નહીં ગોરા દેશોના વિદેશી પ્રવાસીઓ પણ ભારત નહીં જવાનું એવું કારણ જણાવતા કે ‘‘મારે માટે રમત કે ફરવા કરતા કુટુંબ પ્રત્યેની જવાબદારી મહત્વની છે. મારે હજુ જીવવું છે.’’
આવો હાબાળો મચાવીને તેઓ ભારત તો આવતા જ હતા પણ અહીં આવ્યા પછી ભારતની દારૂણ ગરીબી, ગંદકી, માંદગી, વાઈરસ, બેક્ટેરિયા અને પ્રજાની માનસિકતાની ઠેકડી ઉડાવતી વાતો તેમના દેશના મીડિયાને ભરપેટ પૂરી પાડતા હતા. ગોરા દેશોના અખબારોમાં આ વઘુ પ્રકાશિત થતું રહેતું. ભારત જાણે દુકાળિયો અને ભુખમરા-રોગચાળાથી ખદબદતાં ઈથોપિયા જેવો દેશ ન હોય? ભારતમાં ચોક્કસ વિકસિત ગોરા દેશો જેવી સ્થિતિ નથી. પણ, ખેલાડીઓ અને જુદા જુદા ક્ષેત્રોના ડેલિગેશનો તો આંતરરાષ્ટ્રીય દરજ્જાની ફાઈવ સ્ટાર હોટલમાં રહેતા હોય છે. તેઓને ભારત આઝાદ થયુ તે પછીથી જ ભારતની મુલાકાત વખતે મિનરલ વોટર જ મળતું રહ્યું છે. હોટલથી સ્ટેડિયમ કે તેમના કામના સ્થળે તેઓને એરકંડિશન વાહનો જ પૂરા પાડવામાં આવતા હોય છે. તેમાં પણ પોતે કેટલા આઘુનિક અને આપણે અછૂત કે તુચ્છ છીએ તેવું પુરવાર કરવા તેઓ તેમના દેશથી જ પાણી અને જ્યુસની મહિના સુધી ચાલેે એટલી બોટલો, ફૂડ પેકેટ, દવાઓ, તબીબ સાથે લઈને આવ્યા હોય છે. વિદેશીઓ ભારતમાં ‘ઈન્ડિયન કરી’ અને મસાલેદાર સ્વાદિષ્ટ ભોજન અકરાંતિયાની જેમ ખાય અને ઝાડા થઈ જાય એટલે ભારતનું દૂષિત પાણી કે બિનઆરોગ્યપ્રદ રીતે બનાવેલું ભોજન ખાતા ‘ફૂડ પોઈઝનિંગ’ થઈ ગયું તે વિશ્વ મીડિયા સમક્ષ પ્રચાર કરી દેવાનો. અંગ્રેજોના અખબારોમાં ભારતમાં જાણે ભૂંડો જ વસતા હોય તેવી રીતે અગ્રપૃષ્ઠ પર આઈટમો ઓકાતી રહે. ગોરા દેશો આમાં એક પ્રકારનો વિકૃત આનંદ અનુભવતા હોય છે.
૧૯૮૦ પછીના ૩૦ વર્ષમાં ભારતમાં ઘણુ પરિવર્તન આવ્યું છે. વિદેશી કંપનીઓને ભારતની જોડે ઘરોબો કેળવવાની ગરજ પડી છે. ભારતની હોટલો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વૈશ્વિક દ્રષ્ટિકોણ, સવલતો ભલે ગરીબ કે મઘ્યમવર્ગથી હજુ પણ દૂર હોય પણ શ્રીમંતો, પૈસા ખર્ચી શકે તેવા વર્ગ કે વિદેશીઓ માટે તો ગુણવત્તાસભર છે જ. ગરીબો, ગ્રામ્ય કે મઘ્યમવર્ગ પણ ટીવી તેમજ અન્ય પ્રસારણ માઘ્યમમાં, શિક્ષણ-રોજગારીના વ્યાપ તેમજ વિદેશ પણ જતા-આવતા હોઈ આંતરરાષ્ટ્રીય દરજ્જાના નાગરિક બનવાની ખેવના રાખતા થયા છે. આ માટે વિશ્વ તેઓ પાસેથી શું અપેક્ષા રાખે છે તેનો તેઓને અંદાજ છે. દાયકાઓ પહેલા ભોટ અને ગમાર મનાતી પ્રજાનો સવા અબજની વસ્તીમાંથી આજે એકપણ નાગરિક એવો નથી.
પણ, ભારતની આવી પ્રગતિ ગોરા દેશો પચાવી નથી શક્યા તે હકીકત છે. ખરેખર તો યુરોપના મોટાભાગના દેશો ભૂતકાળની પ્રતિષ્ઠાને અને જે પણ તૈયાર મળેલું તેના જોરે જીવે છે જ્યારે ભારતે વિરાટ વસ્તી સાથે તે પણ વિશ્વના સૌથી નિમ્ન સ્તરના રાજકારણીઓ હોવા છતાં વિશ્વની આર્થિક સત્તા બનવા ભણી આગેચૂક કરી છે. ઓબામાએ પણ જાહેરમાં તેમના નાગરિકોને પડકારતા ચીન અને ભારત આગામી દાયકાના તેમના હરિફ છે તેમ કબુલ્યું છે. Continue reading




